Thursday, October 16, 2014

સ્ત્રી પુરુષ અસમાનતા અને ઉત્ક્રાંતિવાદ.....


વર્ષોથી સ્ત્રી પુરૂષ ની અસમાનતા ના મૂળ ના સંદર્ભે આપણી સમક્ષ વિવિધ વિચારો સામે આવ્યા છે. એવા જ એક વિચાર ની અહી વાત કરવી છે, જે એક લેખ દ્વારા માહિતી મળી તેનાં પરથી આ લખી રહી છું...
ઉત્ક્રાંતિવાદ ની પ્રક્રિયાના સંદર્ભ માં એક તારણ એવું આવ્યું છે કે,  ઈવોલ્યુશન એ રેસ છે,  હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે. એજ બાબત ને ધ્યનમાં રાખીને વાત કરીએ તો, એક નરની પાસે  અબજો  સ્પર્મ હોય છે. અને એક માદા પાસે માર્યાદિત એગ્સ (અંડ) હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે  એના  ઋતુચક્ર શરૂ થવાથી માંડીને  મોનોપોઝ  સુધી  છોડવામાં  આવતા  અંડનો તમામ  જથ્થો  લઈને  જન્મે છે. અને દરેક અંડ ફલિત  થઇને  ગર્ભ  રહે તેવી  શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ માર્યાદિત અંડનો જથ્થો છે. જયારે  નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે અહી સંખ્યા વિરુદ્ધ  ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે  કોના જીન્સ દાખલ થવા દઈને  ઉછેરવા.
સજીવ  જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી  સાથે  પોતાના  જીન્સ ને વેડફી  શકે  નહિ. માટે નર માટે સ્પર્ધા  છે અને માદા માટે પસંદગી. માદામાં  પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે  લડાઈ  થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. આજ સ્પર્ધા નો એક ઉદાહરણ જોઈએ તો, મોર પાસે ખુબ  લાંબા પીંછા  હોય છે. જે ખરેખર  નડતર રૂપ  છે. જેના લીધે શિકારી પ્રાણીઓની નજરમાં ને  ઝપટમાં જલ્દી આવી  જવાય છે. અને  ઉડવામાં પણ તકલીફ પડે છે. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ  ભૂલ કરી છે.  પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ  ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને  ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને  અભ્યાસ કર્યો. જે મોરના પીંછાની લંબાઈ  ટૂંકી   હોય ને એની વચ્ચેના  મનમોહક  ચાંદલા  ઓછા  હોય એને ઢેલબાઈ નસીબમાં  હોતા નથી.  સેકસુઅલ સિલેકશન નું ઉત્તમ ઉદાહરણ  મોર છે.
બનેના સમાગમ થી જે જીવ આવે છે તેને ટકાવી રાખવું એ ઉત્ક્રાંતિવાદ માટે મહત્વનું હતું.  એકવાર  માદામાં નરના જીન્સ દાખલ કરીને  બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી  બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરને સાથ  અપાવો જ પડે. નહી તો  એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી.

પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. મોનોગેમી એટલે શારીરિક  જરૂરિયાતોનું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.


પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્ર માં માદા હતી તે જે ઈચ્છે તેની સાથે જ સંબંધ બાંધતી. નર માટે ની પસંદગી તે સ્વયં જ કરતી. તેથી જ તો સ્વયંવર ની વ્યવસ્થા આવી હશે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો પુરુષને અગર કોઈ સ્ત્રી પસંદ નથી કરતી તો તેનું સ્વમાન, અહમ ને ઠેસ પહોચતી. અને જયારે પુરુષપ્રધાન સમાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌથી પહેલી શરૂઆત કે, સ્ત્રી પસંદગી ની વાત નકારી અને લગ્નવ્યવસ્થા નો આરંભ થયો હશે. જેમાં મોટે ભાગે સ્ત્રી ના માતા પિતા તેનાં સાથી માટે ની પસંદગી કરવા લાગ્યા. અને સ્ત્રી ને તાબે થઇ કમને સંબંધ બાંધી વ્યવસ્થાને આગળ ચલાવી પડી. આના પરિણામે દરેક તબક્કે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા વધતી ગઈ અને તે ભેદભાવ માં તબદીલ થઇ ગઈ.                                                                                      ક્રિષ્ના 

No comments: