Wednesday, December 7, 2011

મિત્રો

હમણા હું એક અભ્યાસ કરી રહી છું.. જેના સંદર્ભે મહિલા અને પંચાયત વિષય પર વાંચતા જે ઉપયોગી માહિતી અને લેખ વાંચેલ છે.. તે આપની સમક્ષ મૂકી રહી છું... આ માત્ર મારું સંકલન છે....

આસપાસ

પહેલીવાર સંસદમાં પ્રવેશેલી મોટા ભાગની મહિલા-સાંસદો વગદાર નેતાઓની પત્ની-પુત્રી કે પુત્રવધૂઓ છે

સગાવાદની રાજનીતિમાં ઉત્તરપ્રદેશ મોખરે છે, જ્યારે બિહાર-હરિયાણા પંજાબ - રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ એ જ સિલસિલો છે

આ વખતે ૧૫મી લોકસભાની ચૂંટણીઓમાં મહિલા-સાંસદો પહેલીવાર ઠીક ઠીક સંખ્યામાં ચૂંટાઈ આવી છે. ઉત્તરપ્રદેશ બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં મુખ્યપ્રધાન માયાવતીએ ઊભી રાખેલી ચાર મહિલા ઉમેદવારોએ પોતાના હરીફોને હરાવીને પહેલીવાર દેશની સંસદમાં બસપાનું સામર્થ્ય ૧૯ ટકા જેટલું વધાર્યું છે. આ આંકડો પાર્લામેન્ટમાં સમગ્ર ભારતના મહિલા-પ્રતિનિધિત્વની સરેરાશ કરતાં બમણો છે. જોકે મહિલાના નેતૃત્વ હેઠળના પક્ષમાં સ્ત્રી-સાંસદોનું આ પ્રતિનિધિત્વ નવાઈજનક ન કહેવાય.

પરંતુ પાર્લામેન્ટમાં પોતાની જે ઉમેદવારોને માયાવતીએ પદાર્પણ કરાવ્યું છે તે બધી ગૃહિણીઓ એક યા બીજા વગદાર અને રાજકીય વર્ચસ્વ ધરાવતા પતિઓની જ પત્નીઓ છે. જેમ કે કેવળ એક ગૃહિણી તરીકે જાણીતી રાજકુમારી ચૌહાણ, રાજ્યના પ્રધાન જયવીર સંિહની પત્ની છે. જ્યારે ફતેહપુર-સિક્રીમાં સમાજવાદી પક્ષના નેતા તેમ જ બોલીવુડના અભિનેતા રાજ બબ્બરને હરાવનારી સીમા ઉપાઘ્યાય માયાવતીના પ્રધાનમંડળમાંના બીજા એક પ્રધાન રામવીરા ઉપાઘ્યાયની પત્ની છે. એ જ રીતે તબસ્સુમ બેગમ, બહુજન સમાજ પક્ષના દિવંગત શક્તિશાળી મુસ્લિમ સંસદસભ્યની વિધવા છે, અને સીતાપુરના નવાં મહિલા સાંસદ કૈસર જહાન, સીતાપુરના અત્યારના બસપાના વિધાનસભ્યની પત્ની છે.

પોતપોતાના નિકટના સ્વજનોને જ ટિકિટ આપીને, જીતાડીને સંસદસભ્ય તરીકે ચૂંટી મોકલવાની આ હકીકત પુરવાર કરે છે કે નવી લોકસભામાં પહેલીવાર મહિલાઓનું પ્રતિનિધિત્વ દસ ટકાનો આંકડો વટાવી ગયું હોવાની જોરશોરથી કરાતી ગર્જનાઓ કેટલી પોકળ, બોદી અને ખોખલી છે!

ભારતના રાજકારણમાં નેતાઓનો અપત્યપ્રેમ અને વંશ-વારસોને ઉત્તરાધિકારી બનાવવાનો મોહ કેમેય કરીને ઓસરતો નથી. એથી જ્યારે સ્ત્રીઓને પાર્લામેન્ટમાં મોકલવાની વાત આવે ત્યારે સ્ત્રીઓના નેતૃત્વવાળા પક્ષો પણ તેમાંથી બાકાત રહેતા નથી.

નહેરુ પરિવારથી શરૂ થયેલા અને ઈન્દિરા ગાંધીની નિશ્રામાં ફૂલેલા-ફાલેલા વાંશિક રાજકારણના દોરમાં, રાજકીય સમીક્ષકોના મતે શાસક પરિવારોમાં પુરુષો કરતાં સ્ત્રીઓ સાંસદ તરીકે વઘુ ચૂંટાય છે, જેનાં એકથી વઘુ કારણો છે.

એક, તો માયાવતીની જેમ પક્ષના કોઈપણ પ્રધાન, સાંસદ કે વિધાનસભ્યની પત્નીને ઉમેદવાર તરીકે ટિકિટ આપીને તેને ખુશ રાખવામાં આવે છે. અને સાથોસાથ એ વ્યક્તિ પોતાની પત્નીને વિજયી બનાવવા છુટ્ટે હાથે પૈસા વેરશે, પ્રચાર માટે માણસો ઊભા કરશે અને જરૂરી પ્રભાવ ઊભો કરશે એની ખાતરી કરી લેવામાં આવે છે. રાજકારણના ખેલાડી માટે આ મોકો પોતાનાં વગ-વર્ચસ્વ વધારવાનો અને તેને દ્રઢ કરવાનો હોવાથી તે વઘુ સલામત ઉમેદવાર તરીકે સ્વાભાવિક રીતે જ પોતાની પત્ની પર સૌથી વઘુ ભરોસો મૂકી તેને ઊભી ક રે છે.

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કાયદો તથા વહીવટ માટેેના કેન્દ્રનાં પ્રોફેસર નીરજા ગોપાલ જાયાલ કહે છે કે આની પાછળ સત્તાના વર્તુળને મર્યાદિત અને અંકુશમાં રાખવાનો આશય હોય છે અને આવું સ્ત્રીઓની બાબતમાં સૌૈથી વઘુ બને છે.

બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે રાજકીય પરિવારોની અથવા ભદ્ર, સુશિક્ષિત બેકગ્રાઉન્ડ ધરાવતી સ્ત્રીઓ, બીજી સ્ત્રીઓ કરતાં જીતવાની ક્ષમતા વઘુ રહે છે. સ્ત્રીની કોમ કે શ્રેણી બીજી બધી ખાસિયતો કરતાં તેની ઓળખમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સાંસદ તરીકેની પસંદગીમાં તે નિર્ણાયક કારણ બની જાય છે.

માત્ર સાંસદ તરીકે નહિ, પરંતુ પ્રધાનો તરીકે નિમણૂંક કરવામાં પણ આ કારણ મહત્ત્વનું પુરવાર થાય છે. માયાવતીના નવા પ્રધાનમંડળમાં બહુમતી ધરાવતી સ્ત્રીઓ એક યા બીજા પ્રધાનોની પત્નીઓ અથવા પુત્રીઓ છે.

આ વખતની લોકસભામાં પહેલીવાર પ્રવેશ પામેલી ૫૮ મહિલા-સાંસદો પૈકી ઓછામાં ઓછી ૩૬ એટલે કે બે-તૃતીયાંશ મહિલાઓ કોઈકને કોઈક રાષ્ટ્રીય નેતાઓથી માંડીને મુખ્ય પ્રધાનો કે વિધાનસભ્યો અને આર.એસ.એસ.ના પ્રચારકો તેમ જ ‘સહકારી માફિયા લીડર’તથા ‘ખાણોના ઉદ્યોગપતિના રાજકીય સાથી’ તરીકે ઓળખાતી વ્યક્તિઓની નિકટની સંબંધીઓ છે.

અત્યારની લોકસભામાં ઘણી નવી અને નાની વયની સ્ત્રીઓના ચહેરા છે. પરંતુ ૨૯માંની ૧૭ મહિલા-સાંસદો ‘બીવી-બેટી-બહુ કે બહેન’ જેવી સંબંધીઓ છે.

પરંતુ આ ઉપરાંત તામિલનાડુની હેલન ડેવિડસન જેવી સ્ત્રી-સાંસદો જટિલ પારિવારિક નાતો ધરાવે છે. હેલન અઝાગિરિની પુત્રી મારફત ડીએમકે પક્ષ સાથે સંબંધ ધરાવે છે. અથવા અમુક કિસ્સામાં આવી સ્ત્રીઓ તેમની સાથે કૌટુંબિક સંબંધ નહિ ધરાવતા પ્રભાવી કે વર્ચસ્વી પુરુષોના આશ્રય કે પીઠબળથી ચૂંટાઈ આવે છે.

સ્ત્રી-સાંસદોના સગાવાદની ‘સહનાવવતું સહ નૌ ભુનકતુ’ (મિલકર ખાઓ બાંટકર ખાઓ)ની રાજનીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉત્તર પ્રદેશ છે. સંસદમાં સૌથી વઘુ એટલે ૧૨ મહિલા-સાંસદોને પ્રવેશ અપાવવા બદલ યુપી ગૌરવ લઈ શકે છે. પરંતુ માયાવતીને પૂછો કે આ બારે બાર સ્ત્રી-સાંસદો કોણ છે? તેમાંની ત્રણ રાજકારણીઓની વિધવાઓ છે, બે પુત્રવઘૂઓ છે, ત્રણ પત્નીઓ છે અને એક પુત્રી છે. બાકીની ત્રણમાંની એક ફિલ્મસ્ટાર ‘જયાપ્રદા’ રાજરમતના અઠંગ ખેલાડી અમરસંિહનું અણનમ સમર્થન ધરાવે છે, જ્યારે અનુ ટંડન, રિલાયન્સના ટોચના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટીવની પત્ની છે. રિલાયન્સનું પારિવારિક ટ્રસ્ટ ઉત્તરપ્રદેશના ઉન્નાવ વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠા પામ્યું છે, જેને પરિણામે ટંડન તેના ચૂંટણી પ્રચાર માટે બોલીવુડના સલમાન ખાન જેવા હિરોને લઈ આવી હતી.

છેલ્લે સમાજવાદી પક્ષની માત્ર એક સાંસદ સુશીલા સરોજ રહી જાય છે. પરંતુ તે પણ મુલાયમ સંિહ યાદવના ખૂબ જ નિકટના ભૂતપૂર્વ પોલીસ અધિકારીની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. જોકે સરોજની સમાજવાદી પાર્ટીએ સ્ત્રીઓ માટેના અનામતના ખરડાના વિરોધમાં ભારે ઉહાપોહ મચાવતાં કહ્યું હતું કે આવા કાયદાથી પ્રભાવશાળી વર્ગની વઘુ મહિલાઓ રાજકારણમાં પ્રવેશ મેળવશે.

આવી જ તરકીબો અન્ય રાજ્યોમાં અને ખાસ કરીને બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન તેમ જ મહારાષ્ટ્રમાં સુઘ્ધાં અપનાવવામાં આવી છે.

જોકે દરેક સ્ત્રી-સાંસદ કેવળ ‘કઠપૂતળી’ બની રહે એવું પણ નથી. સોનિયા ગાંધી તેમના દિવંગત પતિ રાજીવ અને રાજકીય પરિવારના જોરે સત્તારૂઢ થયાં એ કબૂલ. છતાં તેમને માત્ર એક ‘રાજકારણીની વિધવા’ કોણ કહેશે?

લોકસભામાં માતબર મતોની સરસાઈથી જીતવા માટે રાજકારણીની પત્ની-દીકરી કે પુત્રવઘૂ અથવા ફિલ્મસ્ટારને સંઘર્ષ કરવો પડે છે. વળી સુશિક્ષિત કે વગદાર વર્ગની સ્ત્રી સંસદમાં પ્રવેશે તેનાથી સંસદમાં સ્પર્ધા પણ વધે છે. પરંતુ આવી સાંસદો પુરુષ-સાંસદોની કામગીરીથી કશુંક હટકે કરી શકી નથી, એવું આંકડાઓ પરથી પુરવાર થાય છે. આવી સાંસદો લધુમતી કોમો કે અમુક વિશિષ્ટ જૂથોની સમિતિઓમાં વ્યસ્ત થઈ જતી હોય છે.

પણ ખરેખરી ચંિતાજનક હકીકત એ છે કે આપણી સંસદમાં આપબળે, કોઈ રાજકીય પારિવારિક સગાઈની ટેકણલાકડી વગર માયાવતી કે મમતા બેનરજીની જેમ આવેલી સાંસદો જ્વલ્લે જ જોવા મળે છે.

વળી બીજી ખેદજનક વાસ્તવિકતા એ છે કે આંધ્રપ્રદેશને બાદ કરતાં દક્ષિણનાં રાજ્યો જેવાં કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાંથી ખાસ કોઈ મહિલા સંસદસભ્ય તરીકે ઝળકી નથી. આનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણનાં રાજ્યોમાં પિતૃપ્રધાન સમાજરચનાને લીધે સ્ત્રીઓને રાજકારણમાં પ્રવેશવા દેવામાં આવતી નથી. જયલલિતા એક અપવાદ ગણાય. જોકે તેને પણ એક પુરુષે એમ.જી.રામચંદ્રને ‘પ્રમોટ’ કરી હતી, જ્યારે કેરળમાં ડાબેરી અને જમણેરી પક્ષો વચ્ચેના લોહિયાળ જંગને લીધે સ્ત્રીઓ સામાજિક ચળવળકારો બને છે. પણ રાજકારણમાં પડતી નથી.

આ સંજોગોમાં એક સવાલ મનમાં ઊઠે છે કે સ્ત્રીઓ કેવળ ગૃહિણી તરીકે ઘરમાં જ રહે તે વધારે ખરાબ છે કે સંસદગૃહમાં એક પણ મહિલા સાંસદ ન હોય, તે સ્થિતિ વઘુ ખરાબ ગણાય?

No comments: