Monday, December 19, 2011

મિત્રો ગુજરાત ના વિકાસ ની વાસ્તવિકતા જોઈએ....

આ ગુજરાત સમાચાર માં આવેલ સમાચાર છે... જે કદાચ તમને રસપ્રદ બનશે....

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો દાવો છતાં ઉદ્યોગો રોજી આપવામાં પાછળ



ઉદ્યોગો કરતાં ખેતીમાં રોજગારીની વધુ તકો ઃ ૫૪.૪ ટકાને રોજગારી ઃ ઉદ્યોગોમાં માત્ર ૪૫.૬૨ ટકા
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે કહેવાતો વિકાસ થવા છતાં તથા ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં સર્વિસ ક્ષેત્ર સાથે ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો ૮૫ ટકા જેટલો હોવાનો દાવો છતાં ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયું હોવાનું એક તાજા રિપોર્ટમાં બહાર આવ્યું છે.
ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે સાધેલા વિકાસની નોંધ લેતા રિપોર્ટમાં ૨૦૦૮-૦૯ના આંકડાઓને આધારે જણાવાયું છે કે, રાજ્યનું ઉદ્યોગ ક્ષેત્ર સર્વિસ ક્ષેત્ર સાથે રાજ્યના અર્થકારણમાં એટલે કે કુલ ઘરગથ્થુ ઉત્પાદન ૮૫.૨ ટકાનો માતબર હિસ્સો આપતું હોવા છતાં આ બન્ને ક્ષેત્રોમાં કુલ રોજગારીના માત્ર ૪૫.૬ ટકા જ રોજગારી ઉત્પન્ન થાય છે, જ્યારે બીજી બાજુ, રાજ્યના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન જે ૨૦૦૧-૦૨માં ૨૦.૪૯ ટકા હતું તે ક્રમશઃ ઘટીને ૨૦૦૮-૦૯માં ૧૪.૮૧ ટકા અને ૨૦૦૯-૧૦માં ૧૩.૫૦ ટકા થઈ ગયું હોવા છતાં આ ક્ષેત્ર આજેય રાજ્યના ૫૪.૪ ટકા લોકોને રોજગારી આપી રહ્યું છે. વાસ્તવમાં ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી વધવી જોઈએ તે વધતી નથી અને ખેતીવાડીનું ક્ષેત્ર આજે પણ ૫૪.૪ ટકા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે, વિકાસની આ વિચિત્રતા ના સમજાય તેવી છે, તેમ જાણીતા અર્થશાસ્ત્રી ઈન્દિરા હિરવેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ દ્વારા તૈયાર થયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે.
ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્ર વધુ રોજગારી ઉત્પન્ન કરવામાં તો ઉણું ઉતર્યું જ છે, સાથોસાથ, કામદારોને પગારની ચૂકવણીમાં પણ આ ક્ષેત્ર ઘણું પાછળ છે, તેમ જણાવતા રિપોર્ટમાં કહેવાયું છે કે, ૨૦૦૭-૦૮ના દેશના ઉદ્યોગ ક્ષેત્રના રિપોર્ટ મુજબ રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે કામદારને સરેરાશ રૃા. ૧૮૪.૨ દૈનિક વેતન મળે છે અને દેશના મોટા રાજ્યોમાં કામદારને વેતન ચૂકવણીમાં ગુજરાતનું સ્થાન ઉદ્યોગ ક્ષેત્ર આગળ પડતું હોવા છતાં આઠમા નંબરે છે. રિપોર્ટ કહે છે કે, દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં માત્ર સંગઠિત ક્ષેત્રના કામદારને ચૂકવાતા પગારની વાત છે અને આ સંગઠિત ક્ષેત્રમાં તો કુલ કામદારોના ૮ ટકા જ છે, બાકીના કામદારોને પગાર ચૂકવણાની બાબતમાં તો ગુજરાત ઘણું પાછળ છે. ૨૦૦૭-૦૮માં દેશના ૨૦ મુખ્ય રાજ્યોમાં ગ્રામીણ ક્ષેત્રે અસ્થાયી પુરુષ કામદારોને વેતન ચૂકવણીમાં ગુજરાતનો ૧૪મો નંબર હતો અને કાયમી ગ્રામીણ પુરુષ કામદારને વેતન ચૂકવણીમાં ગુજરાતનો ૧૭મો નંબર હતો. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, વેતનનો હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રમાં નેટ વેલ્યુ વધારવામાં ગુજરાત ખાતે ક્રમશઃ ઘટી રહ્યો છે અને ૨૦૦૧-૦૨માં જે ૧૪.૯૬ ટકાનું પ્રમાણ હતું તે ઘટીને ૨૦૦૭-૦૮માં ૮.૫૨ ટકા થઈ ગયું છે અને એને કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રના ૨૦૦૭-૦૮ના રિપોર્ટ પ્રમાણે ઉદ્યોગ ક્ષેત્રે નેટ વેલ્યુ વધારવામાં વેતનના હિસ્સાની બાબતમાં ગુજરાતનું સ્થાન દેશના ૨૦ મુખ્ય રાજ્યોમાં ૧૫મા ક્રમે આવી ગયું છે.

No comments: